ગુજરાતમાં આગામી બે દિવસ ક્યાં પડશે ધોધમાર વરસાદ?
20 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવો રહેશે વરસાદ?
આગામી 48 કલાકમાં ગુજરાતના કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ?
ગુજરાતમાં વરસાદ તો આવી રહ્યો છે પણ સવાલ એ છે કે આ વરસાદ ક્યાં પડશે અને ક્યાં માત્ર વાદળો જ આવશે. કારણ કે એક તરફ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની આગાહી છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓ હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ક્યાંક ખેતરોમાં પાણીની જરૂર છે તો ક્યાંક થોડા દિવસ પહેલા જ ભારે વરસાદથી મુશ્કેલી સર્જાઈ હતી. અને હવે મધ્યપ્રદેશ પર બનેલી એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાતના હવામાનનો ખેલ બદલી રહી છે.
આગામી 48 કલાકમાં ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદનું જોર રહેશે કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને સૌથી મોટો સવાલ. શું આ વરસાદ સૌરાષ્ટ્ર કચ્છની મોટી વરસાદની ઘટ પૂરી કરી શકશે.
કયા જિલ્લાઓમાં વરસાદનું જોર સૌથી વધુ રહેશે?
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો જોવા મળી રહ્યો છે. મીડિયા અહેવાલ મુજબ 10 ઓગસ્ટથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો છે અને તેની પાછળનું સૌથી મોટું કારણ છે મધ્યપ્રદેશ પર બનેલું લો પ્રેશર એરિયા. આ સિસ્ટમની અસર એ માત્ર મધ્યપ્રદેશ સુધી સીમિત નથી પરંતુ તેના કારણે મધ્ય ભારત, રાજસ્થાન અને ગુજરાત સહિતના વિસ્તારોમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે. ભેજવાળા પવનો અને વરસાદી વાદળો ગુજરાત તરફ ખેંચાઈ રહ્યા છે. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે આ વખતે સમગ્ર ગુજરાતમાં એક સમાન વરસાદ નહીં પડે. કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહેશે. કેટલાકમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને કેટલાક વસ્તારોમાં માત્ર છૂટો છવાયો વરસાદ જ જોવા મળશે.
મધ્ય ગુજરાતમાં માં કેવો પડી શકે છે વરસાદ?
હવે વાત કરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતની અહેવાલ મુજબ આગામી દિવસોમાં મહીસાગર અરવલ્લી દાહોદ અને પંચમહાલમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખેડા અને આણંદમાં પણ અનેક સ્થળોએ વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જેવા મહત્વના વિસ્તારોમાં પણ વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. જ્યારે છોટા ઉદેપુર અને મહેસાણા તરફ પણ વરસાદનું જોર રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં મોટાભાગે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પરંતુ કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાતમાં માં કેવો પડી શકે છે વરસાદ?
ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ તો પાટણ, વાવથરાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ આગામી બે દિવસ વરસાદનું જોર રહી શકે છે. દક્ષિણ ગુજરાત હંમેશા ચોમાસામાં વરસાદ માટે જાણીતું રહ્યું છે અને આ વખતે પણ ત્યાં વરસાદનું જોર અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ રહેવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં માં કેવો પડી શકે છે વરસાદ?
મીડિયા અહેવાલ અનુસાર ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને લાંબા ગાળાના અનુમાન પ્રમાણે પણ આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રની વરસાદની ઘટ હવે પૂરી થશે કે નહીં?
પરંતુ હવે વાત કરીએ એવા વિસ્તારની કે જ્યાં વરસાદની સૌથી વધુ જરૂર છે. સૌરાષ્ટ્ર અને કચ્છ. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ વરસાદનું જોર વધી શકે છે. સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે મોરબી, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. સાંભળવામાં આ આગાહી સારી લાગે છે. પરંતુ અહીં એક મોટો પેચ છે. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓ હજુ પણ વરસાદની ઘટ અનુભવી રહ્યા છે. કારણ કે દેવભૂમિ દ્વારિકા, જામનગર પોરબંદર અને જુનાગઢ તરફ વરસાદનું જોર ખાસ વધવાની શક્યતા નથી. અહીં છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે અને આજ કારણ છે કે સૌરાષ્ટ્રનું વરસાદી ચિત્ર હજુ પણ ચિંતાજનક છે.
હવે વાત કચ્છની
કચ્છમાં પણ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને આગામી બે દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર થોડું વધી શકે છે ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે. પરંતુ કચ્છ માટે પણ હાલ સૌથી મોટો પડકાર એ જ છે વરસાદનું પ્રમાણ. કારણ કે ચમાસાનો મોટો હિસ્સો પસાર થઈ ગયો છે અને હજુ પણ સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.
સમગ્ર ગુજરાતના આંકડા પર નજર કરીએ
મીડિયા અહેવાલ અનુસાર 1 જૂન થી 11 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સામાન્ય કરતાં લગભગ 3% વધારે વરસાદ નોંધાયો છે. સાંભળવામાં આ આંકડો સારો લાગે છે પરંતુ ગુજરાતને એક સાથે જોવાથી સંપૂર્ણ તસ્વીર સમજાતી નથી. કારણ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં લગભગ 21% ઓછો વરસાદ થયો છે. એટલે કે એક તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ રહી છે. આજ ગુજરાતના ચોમાસાની સૌથી મોટી વિસંગતિ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદથી પૂર જેવી સ્થિતિ બની, જ્યારે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
હવે સૌથી મહત્વનો સવાલ કે શું ગુજરાતમાં વરસાદ હવે હવે બંધ થઈ જશે.?
જવાબ છે ના. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનો સિલસિલો આગામી દિવસોમાં ચાલુ રહી શકે છે અને આ સ્થિતિ લગભગ 20 ઓગસ્ટ સુધી જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે, પરંતુ હાલ એવી કોઈ મોટી સિસ્ટમ દેખાતી નથી જેના કારણે સમગ્ર રાજ્યમાં એકસાથે ભારેથી અતિ ભારે વરસાદ પડે. એટલે કે વરસાદ ચાલુ રહેશે, પરંતુ સાર્વત્રિક ભારે વરસાદની શક્યતા હાલ માટે ઓછી છે. એટલે કે ગુજરાત માટે આગામી દિવસોનું વરસાદી ગણિત ખૂબ જ રસપ્રદ છે. એક તરફ મધ્યપ્રદેશની સિસ્ટમ ગુજરાતમાં વરસાદી માહોલ બનાવી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને પણ રાહત મળી શકે છે અને કચ્છમાં પણ વરસાદી ગતિવિધિ વધી શકે છે.
પરંતુ સૌથી મોટો સવાલ હજુ પણ એ જ છે. શું આ વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છની મોટી ઘટ પૂરી કરશે? કે પછી આ વખતે પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાદળો આવશે, વરસાદ પણ પડશે પણ ખેડૂતોની વરસાદની રાહ પૂરી નહીં થાય આ સવાલનો જવાબ હવે આગામી થોડા દિવસોનો વરસાદ જ આપશે.

Post a Comment